ચાર દિવસના ચાંદરણા પર જૂઠી મમતા શા માટે,
જે ના આવે સંગાથે, એની માયા શા માટે…
આ વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહી જનો પણ ના આવે,
તું ખુબ મથે જેને જાળવવા, એ જોબન સાથે ના આવે,
અહીંનું છે તે અહીંયા રહેવાનું, એની દોસ્તી શા માટે,
જે ના આવે…
મેં બાંધેલી મહેલાતો ને, દોલતનું કાલે શું થાશે,
જાવું પડશે જો અણધાર્યું, પરિવાર નું ત્યારે શું થાશે
સૌનું ભાવિ સૌની સાથે, એની ચિંતા શા માટે
જે ના આવે…
સુંવાળી દોરીના બંધન, આજે પ્રેમ થકી સૌને બાંધે,
પણ તંતુ તૂટે જો આયુષ્ય નું, ત્યારે કોઈ એને ના સાંધે
ભીડ પડે ત્યાં તડતડ તૂટે, તેવા બંધન શા માટે
જે ના આવે…